સમાજને આદર્શ નાગરીકો આપવાની પહેલ

મા-બાપનું પોતીકું થઈ ગયેલું આંગણું છોડી જ્યારે બાળક પ્રથમવાર અજ્ઞાત નિશાળના પ્રાંગણમાં પગ મુકે છે ત્યારે માતા– પિતાની આ બાળકોને યોગ્ય કેળવણી આપવાની ફરજ શિક્ષકની વધારે થઈ જાય છે. ગાંધીજી અત્રે “શિક્ષણ” (ભણતર) નહીં પણ “કેળવણી” (સર્વાંગી વિકાસ તરફ દોરતું માર્ગદર્શન) શબ્દ પ્રયોજતા. તેઓ કહેતા, “કેળવણી તેને કહેવાય જે બાળકના સર્વાંગી વિકાસનું અને તેને તેની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરવા સમર્થ બનાવે. વિદ્યાર્થીને સક્ષમ બનાવે તે કેળવણી...”

શ્રી પ્રતુલભાઈ શ્રોફ – કે જેઓ ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક, માનવતાવાદી છે તેઓ દૃઢપણે માને છે કે “શિક્ષણ એ પારસમણી જેવા અમૂલ્ય રત્ન સમાન છે – જે પણ એના સંપર્કમાં આવે તેના જીવનમાં ધરમૂળ પરિવર્તન લાવવા (નખશિખ બદલી નાખવા) સક્ષમ પરિબળ છે. તેનાથી વ્યક્તિ પોતાની અંદર રહેલી ક્ષમતાથી પરિચિત જ નથી થતો પણ પોતાના પરિવારને ગરીબીની જકડમાંથી કાઢવાની બાંહેધરી આપતો માર્ગ પણ મેળવે છે.”

શ્રી પ્રતુલભાઈ શ્રોફે સફળ ઉદ્યોગ સાહસિક તરીકેની કારકિર્દી બાદ પોતાના પિતાના સંસ્કારોથી સીંચાયેલા સ્વપ્નને સાકર કરવા માટે પોતાના તમામ કાર્યો સમેટી ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF)ની સ્થાપના કરી. અને ત્યારબાદ સમાજકાર્ય સાથે જોડાઈ ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિનો તાગ મેળવ્યો. તેમને એ જણાયું કે ગામડાની સરકારી નિશાળોમાં જ્યાં અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓ ભણ્યા તેમાં પાછલા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. ક્યાંક ઓછા વિદ્યાર્થીઓ હોવાના કારણે શિક્ષકોની ઘટના કારણે, તો ક્યાંક બાળકોના વાલીઓનો શાળાઓથી અસંતોષ હોવાને કારણે, તો ક્યાંક સરકારી શાળાની જગ્યાએ પ્રાઇવેટ શાળામાં મોકલવાની હઠને લીધે. કારણ કોઈપણ હોય, પણ શિક્ષણની કથળતી સ્થિતિ તેમણે જોઈ. શ્રી પ્રતુલભાઈએ આ પરિસ્થિતિને બદલવા કમર કસી. સૌપ્રથમ જે પણ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ જણાઈ ત્યાં પૂરક શિક્ષક મુકવાનું શરૂ કર્યું. આજે KRSF ગ્રામીણ વિસ્તારની ૭૩૩ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે મળી બાળકો શિક્ષણ પ્રત્યે રૂચિ કેળવે અને શિક્ષણનું સ્તર ઊચું આવે તે માટે ઘટતા શિક્ષકોની પૂર્તિ કરે છે.

એટલું જ નહીં, ટેક્નોલૉજીના માધ્યમથી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવવા માટે પણ કાર્યરત છે. આશરે ૮૦૦થી વધુ શિક્ષણવિદોની વિશાળ ટીમ દ્વારા અને રાજ્ય શિક્ષણ વિભાગ, શાળા શિક્ષકો, વાલીઓ અને સમાજ હિતેચ્છુઓ તેમજ બાળ કેળવણીમાં રસ દાખવતાં સર્વેની સહિયારી ભાગીદારી થકી સ્થાયી અને કાર્યક્ષમ મોડલ ઊભું કરવામાં સફળ બન્યા છે, જે માત્ર બાળકોના શિક્ષણ પૂરતું જ નહીં પણ તેમને સમાજના સફળ પ્રતિનિધિ બનાવવા માટે પણ સંનિષ્ઠ અને અસરકારક પ્રયત્નો આદરી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષના અમારા કાર્યકાળમાં અમે ઘણા વિદ્યાર્થીઓ જોયા કે જેમણે સંસ્થાની મદદથી પોતાના તેમજ પરિવાર માટે નોંધપાત્ર પ્રગતિ કરી ઉજ્જવળ ભવિષ્ય કંડાર્યું છે જેનો શ્રેય સંસ્થાના સાથે સંકળાયેલા સમર્પિત શિક્ષકો અને સંસ્થાની કાર્યપ્રણાલીને જાય છે.

વિદ્યાર્થીઓનું મૂળભૂત અને પાયાનું શિક્ષણ
વિદ્યાર્થીઓનું મૂળભૂત અને પાયાનું શિક્ષણ
કેટલાંક નબળા અને વધુ સઘન પ્રયત્ન માંગતા વિદ્યાર્થીઓ માટે સંસ્થા તેના મૂળભૂત અને તાર્કિક શિક્ષણ કાર્યક્રમ (FLN Program) અંતર્ગત પાયાનું શિક્ષણ (ગુજરાતીમાં) અને ગાણિતિક (તાર્કિક) આવડત અમારા શિક્ષક પાસેથી શીખે છે. જ્ઞાન સાથે ગમ્મત થાય તો બાળકોમાં સહજ રીતે અભ્યાસલક્ષી સમજૂતી મેળવી શકે. માટે જ, અમારા શિક્ષકો રમતગમત, એનિમેશન વિડિયો વગેરે જેવા ઈન્ટરેક્ટિવ માધ્યમથી બાળકોને અનુભૂતિપૂર્ણ અભ્યાસ કરાવે છે. સંસ્થાએ આ માટે સર્વિંગ સોસાયટી થ્રુ ટેક્નોલૉજી (S2T2) નામનું SAAS સોફ્ટવેર પેકેજ પણ બનાવ્યું છે જે શિક્ષકોના સંયુક્ત ઉપયોગ માટે દરેક શાળામાં ઉપલબ્ધ છે.
3,00,000+
બાળકો
S2T2ના માધ્યમથી બાળકોનો ફક્ત અભ્યાસ જ નહીં પણ દરેક વિદ્યાર્થી કયા વિષયમાં અને ક્લાસમાં કેટલી પ્રગતિ કરી રહ્યા છે તેનું વિગતવાર મૂલ્યાંકન પણ કરી શકાય છે. વધુમાં આ મૂલ્યાંકનની મદદથી અમે બાળકોને કયા વિષય અને ટૉપિકમાં વધુ મહેનત કરાવવાની જરૂર છે તેનો નિર્ણય શિક્ષકો પોતે નિર્ણય લઈ શકે છે. સોફ્ટવેર અને ક્લાઉડ ટેક્નોલૉજીના માધ્યમથી અમે દરેક બાળકનું દર બે અઠવાડિયે કરેલ પ્રગતિનું મૂલ્યાંકન કરીએ છીએ અને તેઓ ખરેખર તેમના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરીએ છીએ. જો કોઈ બાળક નિશ્ચિત માપદંડ કરતાં ઓછી પ્રગતિ કરતું હોય તો તેને માટે તુરંત સુધારાત્મક પગલાં લેવામાં આવે છે.
દર વર્ષે, અમે લગભગ ૯૫% વિદ્યાર્થીઓને રેમીડિયલ વર્ગોમાંથી નિયમિત વર્ગોમાં પરિવર્તિત કર્યા છે જે સૂચવે છે કે દરેક બાળક શૈક્ષણિકક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ભણાવવા માટે અમે ખૂબ કાર્યક્ષમ પદ્ધતિ અને ટેક્નોલૉજી વિકસાવી છે જેમાં બાળકો પાસે એવી પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જે મનોરંજનપૂર્ણ અને સહજ સમજણ કેળવવામાં મદદરૂપ થઈ શકે. અમે દૃઢપણે માનીએ છીએ કે બૃહદ પરિપેક્ષમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ટેક્નોલૉજી ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. વર્ષ ૨૦૨૧ દરમ્યાન, અમે GCERT અને CSFના સહયોગથી ધોરણ ૧ થી ૮ (એટલે કે પ્રાથમિક ધોરણ) ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયો પર લગભગ ૨,૨૦૦થી પણ વધુ એનિમેટેડ શૈક્ષણિક વિડિયો બનાવ્યા. આ વિડિયોઝના માધ્યમથી વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રૂચિ વધારવા જ નહીં પણ દરેક વિષયવસ્તુ માટે સહજ રસ કેળવે તેમજ અભ્યાસને અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. દર મહિને S2T2ની મદદથી અમે દરેક બાળકની વ્યક્તિગત શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરીએ છીએ જ્યારે એનાલિટિક્સની મદદથી નબળા બાળકો માટે કરેલ પ્રયત્નોમાં કેટલા સફળ રહ્યા અને હજુ શું પ્રયત્નો કરવા પડે તેમ છે તેનું આંકલન કરીએ છે.
800+
શિક્ષકો

બાળકોના આ પરિણામોએ ગ્રામજનોમાં અમારી શિક્ષણ પદ્ધતિની વિશ્વસનીયતા ઊભી કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે એટલું જ નહીં પણ ગ્રામ્ય સમુદાયના કેટલાક સમાજોએ હવે સામૂહિક રીતે તેમના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાંથી ફરી પાછા સરકારી શાળાઓમાં પરત લાવવા માટે પ્રતિબદ્ધ થયા છે. આ બધુ થઈ શક્યું છે સંસ્થાની ઉત્કૃષ્ટ શિક્ષણ પદ્ધતિથી તેમજ તેની સાથે જોડાયેલા તમામ શિક્ષકોની સંસ્થા અને બાળકો પ્રત્યેની નિષ્ઠાને કારણે.

સંસ્કાર સિંચન (મૂલ્ય શિક્ષણ)
સંસ્કાર સિંચન (મૂલ્ય શિક્ષણ)

અમે માનીએ છીએ કે સફળ અને સુખી જીવન જીવવા માટે બાળકોમાં પાઠ્યપુસ્તક ઉપરાંત મૂળભૂત મૂલ્યલક્ષી શિક્ષણનું સિંચન કરવું અનિવાર્ય છે. માટે જ, અમે અભ્યાસની સાથે સાથે સકારાત્મક વલણ, આત્મવિશ્વાસ, હિંમત, ધ્યેય પ્રાપ્તિ, આરોગ્ય અને સ્વચ્છતા વગેરે જેવા મૂલ્યલક્ષી શિક્ષણ પર પણ એટલું જ મહત્વ આપીએ છીએ જેથી બાળકો સકારાત્મક અભિગમ સાથે પોતાનું જીવન આગળ ધપાવી શકીએ.

પ્રમાણિકતા
હકારાત્મકતા
આત્મ વિશ્વાસ
મહેનત
ગોલ-સેટિંગ
અમે વિવિધ સર્વે ના માધ્યમથી બાળકોના માતાપિતા અને વાલીઓ પાસેથી પણ બાળકોમાં આવી રહેલા બદલાવ માટે માહિતી મેળવતા રહીએ છીએ. વાલીઓ પણ અમારા મૂલ્ય શિક્ષણ વર્ગોથી ઘણા સંતુષ્ટ છે અને તેમના જણાવ્યા મુજબ તેમના બાળકોના સ્વભાવમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ જોઈ રહ્યા છે.
પ્રતિભાશાળી બાળકો માટે વિશેષ માર્ગદર્શન
પ્રતિભાશાળી બાળકો માટે વિશેષ માર્ગદર્શન

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને હાઈસ્કૂલમાં ભણતા હોંશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કૉલરશિપ/શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે છે જેને માટે સઘન તૈયારી ખૂબ જરૂરી છે. અમારા શિક્ષકો તેમની નિમણુંક થયેલી શાળામાં ભણતા અને સ્કૉલરશિપ મેળવી શકવા સક્ષમ વિદ્યાર્થીઓને આ સ્કૉલરશિપનો લાભ મળે તેના માટે ખાસ તૈયારી કરાવે જેથી તેમને સ્કૉલરશિપ મળે અને તેમનો અભ્યાસમાં ઉત્સાહ જળવાઈ રહે. સાથે જ આવા વિદ્યાર્થીઓ પોતે જ પોતાના જ્ઞાનના જોરે સ્વાવલંબી બને તથા ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત થાય.

વિવિધ સ્કૉલરશિપની વિગતો

ક્રમ

વિગત/ શિષ્યવૃત્તિ યોજનાનું નામ

મદદની વિગત

લાભ મેળવેલ વિદ્યાર્થી

1

National Means – cum – Merit Scholarship (NMMS) Scheme રાષ્ટ્રીય સાધન-સહ-યોગ્યતા શિષ્યવૃત્તિ યોજના

વાર્ષિક ₹ ૧૨,૦૦૦ સુધીની સ્કૉલરશિપ

201

2

Gyan Sadhana Scholarship Program જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમ

વાર્ષિક ₹ ૨૫,૦૦૦ સુધીની સ્કૉલરશિપ

184 બાળકો પાસ થયા

KRSF દ્વારા આર્થિક સહાય | સ્કૉલરશિપ
KRSF દ્વારા આર્થિક સહાય | સ્કૉલરશિપ

એક હોય છે ભણવામાં હોંશિયાર વિદ્યાર્થીઓ અને એક હોય છે પોતાની કારકિર્દીને મજબૂત વળાંક આપવા સક્ષમ પ્રતિભાશાળી વિદ્યાર્થી. સંસ્થા દરેક શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જે આગળ જતાં પોતાની કારકીર્દીમાં કઈંક નાવીન્ય કરવા સક્ષમ છે, પ્રતિબદ્ધ છે અને સૌથી મહત્વનું ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં સારું પ્રદર્શન કરે તે માટે જરૂર પડ્યે વિશેષ તાલીમ આપીએ છીએ જેથી તેઓ બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ વગેરે ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે અને પરિવાર, શાળા, અને સંસ્થાનું ગૌરવ બની શકે. રહી વાત ફીની મુશ્કેલીની તો તેના માટે ફાઉન્ડેશન તેમને ફી ભરવામાં મદદરૂપ થવા સદૈવ તત્પર રહે છે. ફાઉન્ડેશન માને છે કે આર્થિક પરિબળોને પરિણામે આવી અમૂલ્ય પ્રતિભાઓ આગળ વધતાં વંચિત રહી ન જવી જોઈએ અને તેથી જ એ વિશ્વાસ સાથે કે આ બાળકો મહેનત કરવાનું ના મૂકે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે સંસ્થા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ રહે છે.

જ્યારે જે બાળકો હોંશિયાર છે તેમના માટે પણ ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેમાં માસીક ₹ ૧,૦૦૦. ની શિષ્યવૃત્તિ જે તે વર્ષ માટે આપવામાં આવે છે. જો કે આના માટે બાળકોએ ફાઉન્ડેશન દ્વારા લેવાતી પરીક્ષામાં પાસ થવું જરૂરી છે.

શિષ્યવૃત્તિની વિગતો:

ક્રમ

મદદની વિગત

લાભની શરતો

લાભ મેળવેલ વિદ્યાર્થી

1

KRSF સંલગ્ન વિદ્યાર્થીઓને માસિક શિષ્યવૃત્તિ સહાય

ભણવામાં પ્રતિભાશાળી હોય આર્થિક રીતે નબળા હોય યોગ્યતા કસોટી પાસ કરેલ હોય

184

2

VSSM સંસ્થા સંલગ્ન હિંમતનગર ખાતેની છાત્રાલયના વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સહાય

બિનશરતી સહાય

476

3

સર્જન ફાઉન્ડેશન સંચાલિત સર્જન હોસ્ટેલ, અમીરગઢના વ્યવસાયલક્ષી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય

બિનશરતી સહાય

279

4

વલસાડ, ડાંગ અને સુરત જિલ્લાની ૦૪ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય

બિનશરતી સહાય

401

5

મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ

ભણવામાં પ્રતિભાશાળી હોય આર્થિક રીતે નબળા હોય યોગ્યતા કસોટી પાસ કરેલ હોય

21

ટોટલ

1361
ડીજીટલ અને આર્થિક સાક્ષરતા
ડીજીટલ અને આર્થિક સાક્ષરતા
વંચિત અને ૬૦ થી વધુ ઉમરની મહિલાઓને ડિજિટલ (પ્રૌદ્યોગિકી | ટેક્નોલોજીકલ) અને નાણાંકીય સાક્ષરતા તાલીમ આપવા માટે કાર્યરત વિશ્વવિખ્યાત SEWA સંસ્થા (Self Employed Women’s Association) સાથે ભાગીદારીમાં રહી વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમ્યાન લગભગ ૯૦૦ થી વધુ મહિલાઓને તાલીમ આપી.
સંસ્થા સહયોગ દ્વારા વ્યાપક અને પરિણામલક્ષી પ્રયત્નો
સંસ્થા સહયોગ દ્વારા વ્યાપક અને પરિણામલક્ષી પ્રયત્નો
અમે ગુજરાતની કેટલીક જાણીતી સંસ્થાઓ, કોર્પોરેશન અને કંપનીઓના સહયોગ થકી લગભગ ૫,૭૦૦થી પણ વધુ બાળકોના શિક્ષણ માટે અમે પ્રયત્નશીલ છીએ. KRSF વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓ સાથે પોતાનું જ માળખુ ઊભુ કરવાની જગ્યાએ ત્યાંની શિક્ષણક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે ભાગીદારી કરી વધારે અસરકારક કાર્ય કરવામાં વિશ્વાસ વધુ રાખે છે. આ વિચારને આગળ વધારતા અમે નીચે જણાવેલ વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે.

ક્રમ

સંસ્થાનું નામ

સંલગ્ન શાળાઓ/હોસ્ટેલો

બાળકો

1

સુઝુકી મોટર્સ ગુજરાત

18
1162

2

એલેમ્બિક ફાઉન્ડેશન

15
884

3

વિદ્યાભરતી ફાઉન્ડેશન

34
1558

4

વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)

2
307

5

ભગવતી ટ્રસ્ટ

12
878

6

અન્ય સહયોગી સંસ્થાઓ

24
966

ટોટલ

105
5755
વિવિધ સંસ્થાઓ સાથે સહભાગિતા કેળવી KRSF શિક્ષણક્ષેત્રે કાર્યરત આ સંસ્થાઓને મદદરૂપ થઈ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સહિયારા પ્રયાસ થકી વધુ સારા પરિણામો મેળવવા માટે પ્રયત્નશીલ થવાનો છે.
વ્યવસાયલક્ષી મૂલ્યવર્ધી શિક્ષણ
વ્યવસાયલક્ષી મૂલ્યવર્ધી શિક્ષણ
KRSF સર્જન ફાઉન્ડેશન સાથે કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ થકી રોજગારી આપવાનો છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓને સર્જનના તાલીમ કેન્દ્રમાં તાલીમ આપવામાં આવી છે. KRSF તેમની એક હોસ્ટેલના બાંધકામ માટે ડોનેશન આપી રહ્યું છે જેમાં આશરે 300 વિદ્યાર્થીઓ રહે છે. તેમજ આ વિધાર્થીઓનો બૉર્ડિંગ તથા લોજીંગનો ખર્ચો KRSF આપી રહ્યું છે.

સરકારી કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગૌરવપૂર્ણ જીવન જીવવાની સગવડ આપવી

advocacy-1
advocacy-2

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મદદ છેવાડાના માણસો સુધી પહોંચે તે વિભાવના સાથે આગળ વધી રહ્યા છીએ

ભારતની વસતિ 1.4 અબજે પહોંચી. દેશમાં રહેતા 200 મીલીયન(20 કરોડ) લોકો દૈનિક 2 ડોલરથી પણ ઓછાથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આપણે કલ્યાણકારી રાજ્યની વિભાવના સ્વીકારી. ગરીબીમાં સબળતા લોકોને ગરીબીમાંથી બહાર લાવવા સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી અને એ માટે કરોડો રૃપિયાના ફંડની ફાળવણી થઈ. હાલમાં 233 જેટલી કલ્યાણકારી યોજનાઓ તકવંચિતો માટે અમલી છે. ક્યારેક થાય આટલી બધી યોજનાઓ, મસમોટુ ભંડ઼ોળ છતાં સ્થિતિમાં એકદમ જોઈએ તેવો સુધારો કેમ નથી?

વર્ષોથી ગામોમાં અંતરિયાળ વિસ્તારમાં અમે કામ કરીએ. અમે જોયું કે લોકોને ક્યાં તો યોજનાઓ વિષે ખ્યાલ નથી અથવા ખ્યાલ છે તો મદદ મેળવવા જોઈએ તે પુરાવા નથી. પાછુ એ પુરાવા મેળવવાના પ્રયત્નોમાં પણ થાકી જવાય એવું.

સરકાર દ્વારા કાર્યાન્વીત કલ્યાણકારી યોજનાઓ તળિયાના માણસો સુધી પહોંચે તે માટે ડો.કે.આર.ફાઉન્ડેશનની ટીમે મથવાનું નક્કી કર્યું. હાલમાં અમે વિવિધ આઠ યોજનાઓ અમે જે ગામોમાં કાર્યરત છીએ ત્યાંના જરૃરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટે કાર્ય કરીએ છીએ. 2022 થી સરકાર સાથે હિમાયતનું આ કાર્ય અમે શરૃ કર્યું અને 30,000થી વધુ જરૃરિયાતમંદ વ્યક્તિઓને યોજનાઓની મદદ અપાવવામાં નિમિત્ત બન્યા.

જે યોજનાઓની મદદ અપાવવામાં નિમિત્ત બન્યા તેની વિગતઃ

ક્રમ

સંસ્થાનું નામ

મદદની વિગત

1

આયુષ્માન ભારત

20,599

2

ઇ-શ્રમ યોજના

11,564

3

વ્હાલી દિકરી યોજના

29

4

પાલક માતા પિતા યોજના

12

5

ગંગા સ્વરૂપ યોજના

142

6

નિરાધાર વૃધ્ધ સહાય યોજના
217

7

અન્ય
64

દર વખતે ફાઉન્ડેશનની ટીમ લોકોને સરકારી યોજનાની મદદ મળે તે માટે મદદરૃપ નહીં થઈ શકે એ અમે જાણીયે. આગામી વર્ષોમાં આ દિશામાં અમે ઘણું કામ કરવાની ઈચ્છા રાખીયે છીએ. અમે સબળ નેતૃત્વ સમાજમાં ઊભું થાય, સૌ પોતાના અધિકારો બાબતે જાગૃત થાય અને થાક્યા વગર પોતાની મેળે કચેરીઓમાં જઈને યોજનાઓની મદદ મેળવતા થાય તે દિશામાં કામ કરવાનું કરીશું.

ગામોમાં રહેતા લોકોને સ્વત્રંત વ્યવસાય માટે પ્રોત્સાહિત કરવા

MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્ર ભારતમાં સૌથી મોટું રોજગાર આપનાર ક્ષેત્ર છે, જેમાં 12% કરતા વધુ લોકો સીધા જ MSME દ્વારા રોજગારી મેળવે છે. આ ક્ષેત્રને સશક્ત બનાવવાથી માત્ર રોજગારી જ નહીં, પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે. તેથી, આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવું એ આપણા દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આ ઉદ્દેશ્યોને સંબોધવા માટે બે સામાજિક સાહસિકતા કાર્યક્રમોમાં સક્રિયપણે સંકળાયેલા છે:
Social Entrepreneurship 1
Social Entrepreneurship 2

જળ સંચય અને વૃક્ષ ઉછેરથી પર્યાવરણ નું જતન

આગ લાગે ત્યારે સમજુ માણસ હાથમાં આવે તે વાસણ લઈને આગ ઓલવવા દોડે. વાત નાનકડી પણ સમજવા જેવી. આજે દુનિયા આખી વાતાવરણમાં આવેલા બદલાવ ને એનાથી થઈ રહેલી તકલીફોને જોઈ રહી છે. આપણી ધરતીને તાવ આવ્યો છે. એ દિવસે દિવસે વધુ ને વધુ ગરમ થઈ રહી છે. એને ટાઢી કરવાનું એના માથે પોતા મુકવાનું ખાસ થઈ નથી રહ્યું. આમ તો ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો પ્રયત્ન પાશેરામાં પુણી જેટલો પણ એટલોય જો બધા કરવા માંડે તો સ્થિતિ બદલાઈ શકે. અમે ખોરવાયેલી સ્થિતિને ઠીક કરવા વિવિધ સંસ્થાઓ, સરકાર અને ગ્રામજનો સાથે મળીને જળ વ્યવસ્થાપન તેમજ વનીકરણના કામો કરી રહ્યા છીએ.
જળ વ્યવસ્થાપન

જળ વ્યવસ્થાપન

પાણી બનાવી શકાતું નથી માટે એને બચાવવું પડે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો મર્યાદીત છે જે ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. ટેકનોલોજીના કારણે આજે દુગર્મ વિસ્તારોમાં પાણી પહોંચાડવું સહેલું બન્યું છે પણ આજ ટેકનોલોજીના લીધે આપણા ભૂગર્ભજળ દિવસે દિવસે વધારે ને વધારે નીચે જઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં જળ વ્યવસ્થાપનઃ

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિ વિકટ. નેશનલ વોટરબોર્ડના સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતના 47માંથી 34 તાલુકમાં ભૂગર્ભજળ અત્યંત જોખમી સ્તરે પહોંચ્યા છે.

ગામમાં પાણીનો જથ્થો ખતમ થઈ જશે તો માણસ અને હલી ચલી શકે તે જીવો સ્થળાંતર કરી જશે પણ વૃક્ષોનું શું? વળી સ્થળાંતર કરીને જ્યાં જશું ત્યાં પાણીની મુશ્કેલી નહીં સર્જાય તેની શું ખાત્રી? સવેળા જાગવા એલાર્મ વાગી ગયું. અમે સ્થિતિ સમજી ઉત્તર ગુજરાતમાં જળસંચયના કાર્યો વિવિધ સંસ્થાઓ અને સરકાર સાથે મળી આરંભ્યા છે.

અમે કાંપથી ભરાઈ ગયેલા તળાવોનું નવીનીકરણ(ડી-સિલ્ટીંગ) કરવાનું વર્ષ 2023-24થી શરૃ કર્યું. વિચરતા સમુદાય સમર્થન મંચ(VSSM) સંસ્થા અને સરકારના સુજલામ સુફલામ અભીયાન સાથે મળીને અમે 30 તળાવોનો જીર્ણોધાર એક વર્ષમાં ઊંડા કર્યા. તેમજ 9 ચેકડેમ રીપેર કરી તૈયાર કર્યા

જળસંચયના કાર્યો અમે વિવિધ વસતિ ધરાવતા ગામોમાં તેમજ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં કરીએ. જે ગામોમાં સો ટકા આદિવાસી વસતિ છે ને ત્યાંના લોકોની આર્થિક હાલત નબળી છે. જમીન પણ ટૂંકી. આમ તેઓ તળાવ ખોદકામમાં નીકળતી માટી ઉપાડવાનું કરી શકતા નથી. ત્યાં અમે જ સંપૂર્ણ ખર્ચ સાથે તળાવ ગાળીએ. પણ જ્યાં વિવિધ સમુદાયના લોકો વસતા હોય. સરખી ખેતી પણ થતી હોય ત્યાં આપણે ગામની ભાગીદારીમાં તળાવ ઊંડા કરીએ. સંસ્થા ખોદકામ માટે જેસીબી મશીન મુકે અને માટી ઉપાડવાનું કામ ગામલોકો કરે. આમ ગામની હિસ્સેદારી સાથે આપણે જલસંચયના કાર્યો કરીએ.

અમારા સહયોગથી થયેલા તળાવો વરસાદી પાણીથી ભરાયા જેનાથી અંદાજે 50,000 પરિવારોની ખેતીમાં ફાયદો થયો. તળાવોમાં 160 મીલીયન લીટર પાણીનો વધારો થયો..

દક્ષિણ ગુજરાતમાં જળ વ્યવસ્થાપનઃ
ગુજરાતનું ચેરાપુંજી એટલે ડાંગ. ખુબ વરસાદ પડે છતાં ઉનાળામાં આ વિસ્તારમાં પાણીની મુશ્કેલી સર્જાય. વળી આ મુશ્કેલી માત્ર ડાંગ પુરતી નહીં પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે. ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ- ધરમપુર સાથે મળી બે ગામમાં પાણીની સમસ્યાના નિવારણ માટે ત્રણ ચેકડેમ બનાવ્યા. લાખો લીટર પાણી આ ચેકડેમમાં સંગ્રહ થયું. પીવાના પાણીની મુશ્કેલી હલ થઈ અને ખેડૂતોના કૂવા રીચાર્જ થતા તેમની ખેતી બારમાસી થઈ. આવક વધી.
લદાખમાં ક્લાયમેટ એન્ડ સસ્ટેઈનેબિલીટી સ્કૂલ

KRSF એ HIAL (હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓલ્ટરનેટિવ લદ્દાખ) નામની ક્લાઇમેટ સ્કૂલ/યુનિવર્સિટી શરૂ કરવા માટે જાણીતા કાર્યકર અને સંરક્ષણવાદી શ્રી સોનમ વાંગચુક અને શ્રીમતી ગીતાંજલિને આર્થિક સહયોગ કરે છે. આ સંસ્થા પર્યાવરણ સંવર્ધ માટે યુવાનોને માર્ગદર્શન પુરુ પાડે છે.

વૃક્ષઉછેર

વૃક્ષઉછેર

પૃથ્વી ગરમ થઈ રહી છે જેના કારણે ઉત્તર ધ્રુવનો બરફ પીગળી રહ્યો છે. ધરતી પર પાણીના જથ્થાનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીના કારણે બાષ્પીભવનનું પ્રમાણ વધ્યું ને એના કારણે વાવાઝોડા, અતિવૃષ્ટિનું પ્રમાણ પાછલા કેટલાક વર્ષોમાં વધ્યાનું આપણે વાંચીયે, બોલીયે. ત્યારે આ સમસ્યાના નિવારણ તરફનો વિચાર કરવો અત્યંત જરૃરી. પૃથ્વીના વધતા તાપમાનને સમતુલીત કરવા અનેક પરિબળો કામ કરે એમાંનું એક પરિબળ વનીકરણ. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વૃક્ષ વાવવામાં નહીં પણ વાવી ઉછેરવામાં મદદ કરે.

VSSM સાથે મળીને સામજિક વનીકરણ
ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશને (કે.આર.એસ.એફ.) વી.એસ.એસ.એમ. સાથે ભાગીદારી કરીને સામાજિક વનીકરણ અભિયાનને ભંડોળ પૂરું પાડ્યું હતું અને તેનો સહયોગ કર્યો હતો. આ સમગ્ર અભિયાન ગામના નેતૃત્વ અને પંચાયતના સહયોગમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમે વિવિધ સ્થળોએ ૧,૭૨,૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે, જેમાં ૯૨% જેટલો ઉંચો જીવિત રહેવાનો દર છે.
એક બાળ એક વૃક્ષ

બાળક નાનપણથી પર્યાવરણ પ્રત્યે સજાગ, સંવેદનશીલ અને ખાસ તો જવાબદાર બને તે માટે વર્ષ 2023માં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 200 શાળાઓમાં ભણતા બાળકો સાથે મળીને 45,000 વૃક્ષો એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે વાવ્યા. આ બેઉ જિલ્લાના શિક્ષણ વિભાગના અને વનવિભાગના કર્મચારી આ કાર્યમાં અમારી સાથે રહ્યા. બાળકો નાનપણથી એમને આપવામાં આવેલું વૃક્ષ વાવી અને જ્યાં સુધી એ શાળામાં ભણે છે ત્યાં સુધી એની કાળજી કરે એ આ સંકલ્પ પાછળની વિભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં વૃક્ષારોપણ પ્રોજેક્ટ
KRSF એ લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હાથ મિલાવ્યા છે અને પ્રદેશના હરિયાળા આવરણમાં ઉમેરો કરવા માટે ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારોમાં લગભગ 22,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે.
અકાસિઆ ઇકો સાથે શહેરી વનીકરણ પ્રોજેક્ટ

KRSF એ તેમની શહેરી વનીકરણ પહેલને ટેકો આપતા લગભગ 85,000 વૃક્ષોના વાવેતર, જાળવણી અને વૃદ્ધિ માટે ACACIA Eco ને ભંડોળ પૂરું પાડ્યું છે. અમારા સમર્થન દ્વારા, Acacia Eco Trust લાંભામાં ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યું છે. અર્બન ફોરેસ્ટેશન કન્સેપ્ટને અપનાવીને, અમે શહેરના લેન્ડસ્કેપ્સને ગ્રીન હેવનમાં રૂપાંતરિત કરવા, જૈવવિવિધતા વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને શહેરી સમુદાયો માટે સ્વસ્થ જીવન પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યૂહાત્મક વૃક્ષારોપણ અને હરિયાળી પહેલ દ્વારા, અમારું લક્ષ્ય ટકાઉ શહેરી ઇકોસિસ્ટમ બનાવવાનું છે જે લોકો અને ગ્રહ બંનેને લાભ આપે છે.

આમ, વિવિધ પ્રોજેક્ટો દ્વારા, ફાઉન્ડેશને વિવિધ વિસ્તારમાં 3,00,000 થી વધુ વૃક્ષ ઉછેર કર્યો છે.

લોકોની સુખાકારી માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યો

KRSF દ્વારા આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જે સંસ્થાઓને મદદ કરવામાં આવે છે તેમની વિગતઃ

ક્રમ

સંસ્થાનું નામ

મદદની વિગત

1

જીવરામ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન

ન્યુમેટીક ટ્યુબિંગ સીસ્ટમ, એન્ડોસ્કોપી સીસ્ટમ

2

સદવિચાર પરિવાર

ફીઝીયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, પુસ્તકાલય અને સેન્ટરમાં આવતા દર્દીઓને મનોરંજન મળી રહે તે માટે વિવિધ સુવિધાઓ

3

ગુજરાત કેન્સર સોસાયટી

માળખાકીય સુવિધા ઊભી કરવા. તેમજ આરોગ્ય સંભાળમાં સુધારો કરવા મદદ

4

ગ્રામ સેવા ટ્રસ્ટ

ગુજરાતનો ડાંગ જિલ્લો. આદિવાસી વસતિ ધરાવતો જિલ્લો. પહાડી વિસ્તાર હોવાના કારણે આજે પણ આરોગ્ય સેવા જિલ્લાના દરેક ગામો સુધી પહોંચવી મુશ્કેલ. ત્યાં KRSF ગ્રામ સેવા ટ્રસ્ટને ટેકનોલોજીનો ઉપયોગ કરી, આરોગ્ય મિત્રોની નિયુક્તી કરી ગામડે ગામડે આરોગ્ય લક્ષી સુવિધાઓ, વિવિધ બિમારીઓની જાણકારી આપવાના કાર્યમાં મદદ કરે છે.

આ ફીલોસોફી અમે માનીયે.. એટલે જ વધારે લોકોના કલ્યાણમાં નિમિત્ત બનવાનું સ્વપ્ન સેવીયે અને એ માટે કટીબદ્ધ પણ ખરા.

ડો. કે.આર.શ્રોફ વ્યવસાયીક ડોક્ટર. ડોક્ટરને ભગવાનનું બીજુ રૃપ માનવામાં આવે. ડો.કે.આર.શ્રોફ આ વાતને બરાબર સમજે એટલે અડધી રાતે દર્દી તેમના ઘરનો દરવાજો ખખડાવી આવી ચડે તો જરાય અણગમા વગર દર્દીની સારવાર કરે. કર્તવ્યમાં એ ક્યારેય પાછા ન પડે. તેમની આ નિષ્ઠાની જબરજસ્ત છાપ તેમના દિકરા પ્રતુલભાઈના માનસ પર પડી. એટલે સફળ ઉદ્યોગપતિ બન્યા પછી પોતાના જીવનની મૂડીનો ઘણો ભાગ તેમજ પોતાનો સમય પણ એમણે સમાજકાર્યો પાછળ ખર્ચવાનું નક્કી કર્યું અને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનની સ્થાપના કરી પિતાને સુંદર સ્મરણાંજલી આપી.

પિતાના વારસાથી પ્રેરિત, પ્રતુલ શ્રોફે વંચિતોને પડતી આરોગ્ય સંભાળની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો લક્ષ્ય રાખ્યો હતો. તેમણે સમજ્યું કે ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સુવિધા એ વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના મૂળભૂત અધિકાર છે. KRSF આરોગ્ય સુવિધાઓને વધારવા અને અવિકસિત વિસ્તારોમાં તબીબી સંસ્થાઓને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જેમની આર્થિક સ્થિતિ નબળી છે તે દર્દીઓ ક્યારેય ખાનગી હોસ્પીટલનું પગથિયું નથી ચડવાના. આવામાં વિવિધ સરકારી હોસ્પીટલ અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલ એમની પ્રાથમિકતામાં હોવાની. ત્યારે આ હોસ્પીટલોમાં અધતન સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બહુ જરૃરી. અલબત આ બધી સંસ્થાઓના ભગીરથ કાર્યોના લીધે જ લાખો દર્દીઓના જીવન બચ્યા છે.

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत्।
ॐ शान्तिः शान्तिः शान्तिः

Healthcare 02