Dr. K.R. Shroff Foundation

Dr. K.R. Shroff Foundation

     

Stories

Index


નાની ઉમર, ઘરકામનું ભારણ તો પછી ભણવામાં ધ્યાન શી રીતે આપું?

By નિમિષા પ્રજાપતિ,એજ્યુકેશન કોર્ડીનેટર, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, સાબરકાંઠા

ગુજરાતનાં સાબરકાંઠા જીલ્લાનાં વડાલી તાલુકામાં મારું નાનકડું ગામ આવેલું છે, થુરાવાસ. મારા આ નાનકડાં ગામની પ્રાથમિક શાળામાં હું ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનાં એજ્યુકેશન કોર્ડીનેટર તરીકે કામ કરું છું. ૨૦૧૭મા હું અહીં જોડાઈ અને ધોરણ ૬-૭માં વિજ્ઞાનનો વર્ગ લેવાનું શરુ કર્યું.

મારા વર્ગમાં હંમેશા ચર્ચા-વિચારણા ચાલતી હોય. મોટેભાગનાં બાળકો ઉત્સાહથી ભાગ લે, જવાબો આપે, સવાલો કરે. પણ, ઘણાં વખતથી હું નોટીસ કરું કે અંબા એક એવી છોકરી છે જે વર્ગમાં ચૂપચાપ બેસી રહે છે, કંઈ બોલતી જ નથી. એટલું જ નહીં, એનો ચેહરો પણ હસતો ન દેખાય. સ્વભાવે એકદમ શાંત હતી, ગુસ્સો પણ ન કરે. અંતર્મુખી બાળકો ઓછા ભળતાં હોય છે, પણ અહીં મને કંઇક અલગ લાગ્યું. એનું એકલાંઅટૂલા રહેવું મને ખટકતું હતું.


દર વખતે જયારે ટેસ્ટ લેવાય ત્યારે તેનાં ૪૦માંથી ૩-૪ માર્ક્સ જ આવે. હું સ્પેશ્યલી પણ તેને અલગ સમયમાં સમજાવવાની કોશિશ કરું તો સમજે નહીં. એક દિવસ મારાથી એના પર ગુસ્સો થઈ ગયો. એ રડવા માંડી. મને ઘણો પસ્તાવો થયો. હું તેની પાસે બેઠી, એને પાણી પીવડાવ્યું, રડતી બંધ કરી. પછી પૂછ્યું, “તને કોઈ તકલીફ છે? તું કેમ આટલી ઉદાસ રહે છે?” કોઈનાં જોડે વાતચીત પણ નથી કરતી, કાયમ એકલી બેસી રહે છે.” થોડી વાર રહીને અંબા બોલી, “બેન, અમે ચાર બહેનો અને એક ભાઈ છીએ. ઘરની હાલત સારી નથી, માબાપ આખો દિવસ મજૂરીએ જાય છે. ઘરનું બધું કામ કરવાનું, જમવાનું બનાવવાનું, વાસીદા કરવાનાં અને ભાઈને પણ રાખવાનો, બધું મારા માથે જ છે. હું ખૂબ થાકી જાઉં છું, મને શાળાએ આવવાનું પણ મન નથી થતું, ભણવાનું મન નથી થતું. ઘણી વખત તો હું જમ્યા વગર શાળાએ આવું છું.”

અંબાના શબ્દો મને ઘેરી અસર કરી ગયાં. ખૂબ દુઃખ થયું; મેં શાંત ચિત્તે નક્કી કર્યું કે આ છોકરીને હું વધારે સમય આપીશ. એની પાસે બેસીને સમજાવ્યું, “તારા ઘરની પરિસ્થિતિ તો હું બદલી શકું એમ નથી, પણ તને અભ્યાસમાં મદદ જરૂર કરી શકું છું. વર્ગની બાકી છોકરીઓં પણ ઘણી સરસ છે. તું એમની સાથે જમવાનું શરુ કરી શકે? એમની સાથે રમી ન શકે? ” મેં વર્ગની બાકી છોકરીઓને પણ બોલાવી અને કહ્યું, “તમારે અંબાને તમારી સાથે રાખવાની, રમાડવાની, સાથે જમવા બેસવાનું. એને એકલી નહીં પડવા દેવાની.” વર્ગની છોકરીઓએ પણ કહેલું વચન પાળ્યું. અંબા ના પાડે તો પણ તેને સાથે ખેંચી જાય. એની સાથે કો'ક તો હોય જ. જમવામાં પણ સાથે જ હોય. અંબા હવે રીસેસમાં પણ રમવા જવા માંડી. પછી તો બધી છોકરીઓ સાથે તેના ખૂબ સરસ બહેનપણા થઈ ગયાં. રમતમાં તો એ ચિચિયારીઓ પડે ત્યારે એને જોવું એક લ્હાવો થઈ પડે. અંબા હવે થોડું થોડું હસવા પણ માંડી હતી. શાળાએ આવવાનું એને ગમવા માંડ્યું. બીજા સાથે તેને હસતાં, રમતાં, વાતચીત કરતાં જોવું એ મારા માટે અત્યંત આનંદની વાત હતી.


મેં તેને આશ્વાસન આપ્યું હતું કે એ જયારે પણ વર્ગમાં જવાબ આપવા ઉભી થાય, બીજા મજાક નહીં ઉડાવે અને જવાબ ખોટો હોય તો પણ હું કઈ નહીં કહું. પહેલાં એ ઘણી ગભરાતી, પણ આશ્વાસન આપ્યાં પછી તો એનો ડર ઓછો થવા માંડ્યો હતો. હિમત કરીને એ ઊભી થતી અને બોલતી થઈ ગઈ. હવે તો એવો સમય આવ્યો છે કે હું સવાલ પૂછું તો ઘણી વખત આંગળી પણ ઉંચી કરે છે. સાચા જવાબ પણ આપે છે. શાળાનાં શિક્ષકોએ પણ એનામાં આવેલ પરિવર્તનની નોંધ લીધી. અંબા હવે એકલીઅટૂલી નથી બેસી રહેતી, હસતી-રમતી હોય છે.

એક શિક્ષક તરીકે મારી જિંદગીનો આ એક સુખદ અનુભવ રહ્યો. બાળકને લાગણીથી સમજાવવાનો પ્રયત્ન કરીએ અને પ્રેમનું સિંચન કરીએ તો બાળકમાં હકારાત્મક પરિવર્તન આવે જ છે.